- This event has passed.
Shardiya Navratri at ShriHari Mandir

Seva Available
For more information contact +91 90999 66260
નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ – ૨૦૨૫
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં ૪૪મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૫ શ્રીરામચરિત માનસ પાઠની સાથે અનેક ધાર્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે
શ્રીરામ ચરિત માનસ પાઠ અનુષ્ઠાન એવં શ્રીમદ્ ભાગવતકથા
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે ૪૪મો શારદીય નવરાત્રી અનુષ્ઠાન મહોત્સવ તારીખ ૨૨/૦૯/૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ દરમ્યાન અનેક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે. પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે ૮:3૦થી દેશ-વિદેશથી પધારેલા ભક્તવૃંદની સાથે સંગીતમય “શ્રીરામચરિતમાનસ” નું મૂળ પારાયણ થશે. શ્રીરામચરિત માનસપાઠના પ્રથમ દિવસે સવારે ૮:૩૦ વાગ્યે પોથીયાત્રા સંપન્ન થશે. આ સાથે તા.૨૫-૦૯-૨૦૨૫ થી તા.૦૧-૧૦-૨૫ દરમ્યાન પ્રતિદિન બપોર બાદ ૩:3૦ વાગ્યેથી શ્રીમન માધવ ગૌડેશ્વર વૈષ્ણવાચાર્ય શ્રીપુંડરીક ગોસ્વામીજી મહારાજ (વૃંદાવન) વ્યાસાસનથી “શ્રીમદ્ ભાગવત કથા” ના શ્રવણનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે. શ્રીમદ્ ભાગવતકથાના પ્રથમ દિવસે બપોરે ૩:૩૦ વાગ્યે પોથીયાત્રા સંપન્ન થશે. વિશેષત: શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, પૂજન અને શ્રીકરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્ય દર્શન અને સાયં આરતી અને પ્રાચીન રાસ-ગરબાનું ભવ્ય આયોજન થશે.
શ્રીહરિ મંદિરમાં યોજાનાર વિવિધ મનોરથ
શારદીય નવરાત્રિમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં શ્રીરામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્વજારોહણ, શ્રી કરુણામયીમાતાનું ષોડશોપચાર પૂજન એવં સાયંકાળે અલૌકિક દિવ્ય ઝાંખીના દર્શન યોજાશે. આ સિવાય શ્રીમાં મહાલક્ષ્મી અષ્ટલક્ષ્મી મંડપમ્ સેવા, સર્વ શ્રેયસ્કરી સીતારામવલ્લભ મંડપમ્ સેવા, શ્રી રાધારાની નિકુંજલીલા સેવા, શ્રી કરુણામયી આનંદમયી માં મંડપમ્ સેવા, શ્રી જગદ્જનની આદ્યશક્તિ પાર્વતી મંડપમ્ સેવા જેવા સવિશેષ મનોરથ સંપન્ન થશે.
તારીખ ૩૦/૦૯/૨૦૨૫, મંગળવારના રોજ હવનાષ્ટમીના પાવન દિવસે યજ્ઞસેનાના વિદ્વાનો દ્વારા સાંદીપનિ યજ્ઞશાળામાં શ્રીદુર્ગાષ્ટમી યજ્ઞ સંપન્ન થશે. તેમજ તારીખ ૨/૧૦/૨૦૨૫, ગુરુવાર વિજયાદશમીના અવસરે યજ્ઞસેના દ્વારા સાંદીપનિ યજ્ઞશાળામાં શ્રીરામચરિત માનસપાઠની પુર્ણાહુતી સ્વરૂપે હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ કરવામાં આવશે તથા વિજયાદશમીના સવારે શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન થશે તથા બપોરે ૩:૦૦ વાગ્યે પૂજ્ય ભાઇશ્રી તથા અનુષ્ઠાનમાં આવેલા ભાવિકજનો દ્વારકા જગતમંદિરે ધ્વજારોહણ માટે પ્રસ્થાન કરશે.
માં મહિષાસુરમર્દિની મંડપ સ્થાપના
શારદીય નવરાત્રિમાં મા ભગવતીની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. છેલ્લા કેટલાક વર્ષો પ્રમાણે આ વર્ષે પણ સાંદીપનિ વિદ્યાનિકેતનની શ્રીહરિ મંદિરની બગીચીમાં યજ્ઞસેના દ્વારા તથા અન્ય પ્રાંતથી આવેલા વિદ્વાન વૈદિક બ્રાહ્મણો દ્વારા માં મહિસાસૂરમર્દિની મંડપ સ્થાપના થશે. જ્યાં સંપૂર્ણ નવરાત્રિ દરમ્યાન મહિષાસુરમર્દિની માતાજીની પૂજા-અર્ચના, પાઠ અનુષ્ઠાન તથા વૈદિક બ્રાહ્મણો દ્વારા ચારેય વેદોના મંત્રોના ગાન સાથે માતાજીની સ્તુતિની સાથે સાંજે આરતી સંપન્ન થશે. જેના મનોરથી તરીકે દિલ્હીના ભગવદીયા અર્ચનાબેન અનિલજી ગુપ્તા પરિવાર સેવા આપશે.
આ સિવાય યજ્ઞસેના દ્વારા શતચંડીયાગ, શ્રીદુર્ગા યજ્ઞ, સવાલાખ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, દુર્ગાષ્ટમી યજ્ઞ વગેરે યજ્ઞ-જપાનુષ્ઠાન, શીઘ્રલક્ષ્મીપ્રાપ્તિ માટે લલિતાસહસ્રનામથી કમલાર્ચન, લલિતા સહસ્રનામથી કુંકુમ અર્ચન, દેવી શૃંગાર અર્ચન તથા દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, શુભલક્ષ્મીપ્રાપ્તિ હેતુ વિશેષ શ્રીયંત્ર પૂજા, પંચોપચારપૂજનપૂર્વક સંકીર્તન સેવા, ષોડશોપચારપૂજા તથા કુમારિકાપૂજન સંપન્ન થશે. આ સાથે પાઠાત્મક અનુષ્ઠાન તરીકે શ્રીચંડીપાઠ, મનોકામના અનુસાર સંપુટીત ચંડીપાઠ, વિશેષ રાત્રિ ચંડીપાઠ, વિદ્યાપ્રાપ્તિ માટે શ્રીનીલસરસ્વતી સ્તોત્ર, લક્ષ્મીપ્રાપ્તિમાટે ૧૦૮ શ્રીસૂક્ત પાઠ, શ્રીદેવી અથર્વશીર્ષ, સિદ્ધકુંજીકા સ્તોત્રપાઠ, સૌન્દર્યલહરી પાઠ, શ્રીરાત્રીસુક્ત, સર્વપ્રકારે સુરક્ષા માટે શ્રી દેવીકવચ, આરોગ્ય પ્રાપ્તિ હેતુ કાલીઅષ્ટોતર નામસ્તોત્ર, ચતુર્વેદ પારાયણ, દેવીરહસ્યત્રય પાઠ, શ્રીદુર્ગા અષ્ટોત્તરશતનામ સ્તોત્રપાઠ તથા ધનદેશ્વરીમંત્ર જેવા વિવિધ અનુષ્ઠાન સંપન્ન થશે. આપ સૌ ભાવિકો આ વિવિધ અનુષ્ઠાનમાં જોડાઈ શકો છે. જેમના માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે.
માનવસેવાના યજ્ઞ સમાન વિવિધ મેડીકલ કેમ્પ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોની સાથે પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે
સુપર સ્પેશ્યાલીટી આઈ કેમ્પ
તા.૨૬/૦૯/૨૫ થી તા.૨૭/૦૯/૨૫ દરમ્યાન રોજ ધામેચા આઈ હોસ્પિટલ પોરબંદર ખાતે સુપર સ્પેશિયાલીટી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મુંબઈની વિશ્વવિખ્યાત બોમ્બે સીટી આઈ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટરના આંખના નિષ્ણાંત સર્જન ડૉ.કુલીનભાઇ કોઠારી અને તેમની ટીમ પોતાની માનદ્ સેવા આપશે.જેના મનોરથી તરીકે શ્રીમતી અનસુયાબેન વિશ્રામ જોગિયા પરિવાર (યુ.કે.) સેવા આપશે.
સાંદીપનિ પરિસરમાં યોજાનાર મેડીકલ કેમ્પ
સાંદીપનિ પરિસરમાં તારીખ: ૨૭/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી ક્લેફટ એન્ડ ક્રેનીયોફેશીયલ કેમ્પ યોજાશે. જેમાં જન્મજાત ખોડખાપણ- ફાટેલા હોઠ અને તાળવાની સર્જરી, વાંકાચુકા દાંતની સારવાર, જન્મજાત ન હોય તેવા કાનની સારવાર, આંખની અને નાકની અમુક પ્રકારની જન્મજાત ખોટ ની સારવાર, ચહેરા પર લોહીની ગાંઠો ની સર્જરી, જન્મથી મોઢું ખુલતું ન હોય તેની સર્જરી. સ્પીચ થેરાપી વગેરેની સર્જરી વિનામુલ્યે સંપન્ન થશે. આ કેમ્પમાં દોષી સ્માઈલ- ઈગા હેલ્થ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પમાં અમદાવાદના ઓરલ અને મેક્ઝીલોફેશિયલ સર્જરીના નિષ્ણાંત ડો. રિષભ શાહ પોતાની ટીમ સાથે માનદ સેવા પૂરી પાડશે.
આ સાથે જ તારીખ: ૨૭/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી એન્ડોક્રાઇનોલોજી કેમ્પ (ખાસ કરીને- મોટાપા જાગૃતિ અને નિદાન કેમ્પ) યોજાશે. આ કેમ્પ દરમિયાન બી.એમ.આઈ., કમરના પરિઘનું મૂલ્યાંકન, મેટાબોલિક સ્ક્રિનિંગ અને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. લાઈફ સ્ટાઈલ ચેન્જીસ- મુખ્યત્વે “આહાર” -ખોરાક “વિહાર”-શારીરિક પ્રવૃત્તિઓ અને “વિચાર” -ઊંઘ આ ત્રણ આધાર સ્તંભોને લાંબાગાળાના યથાર્થ પરિણામ માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં રાજકોટના પ્રખ્યાત એન્ડોક્રાઇનોલોજીસ, ડો. બ્રિજ તેલી -જે ડાયાબિટીસના સુપર સ્પેશિયાલિસ્ટ છે. તે પોતાની માનદ સેવા પૂરી પાડશે.
તારીખ ૨૨ સપ્ટેમ્બર થી તારીખ ૧ ઓક્ટોબર સુધી પ્રતિદિન સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૯ થી બપોરે ૧ સુધી શ્રી લાભુભાઈ શુક્લ મેમોરિયલ ટ્રસ્ટ, ગૌરીદડ, રાજકોટ ના “જાલંધર બંધ યોગ” પદ્ધતિના નિષ્ણાંત દંતવૈદ્ય શ્રી હર્ષદભાઈ જોશી અને દંતવૈદ્ય શ્રીમતી સરોજ બહેન જોશી અને તેમની ટીમ દ્વારા આ કેમ્પ સંપન્ન થશે. આ ત્રણેય કેમ્પના મનોરથી તરીકે શ્રી પ્રકાશભાઈ તથા શ્રીમતી રંજનબેન કનેરિયા (યુ.કે.) સેવા આપશે.
પલ્મોનોલોજી કેમ્પ (ફેફસા અને શ્વાસના દર્દોનો કેમ્પ)
તારીખ ૨૭/૦૯/૨૦૨૫ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પલ્મોનોલોજી કેમ્પનું આયોજન કરેલ છે સ્વર્ગસ્થ રતનમૈયાના સ્મરણાર્થે મનોરથી તરીકે શ્રી બજરંગલાલ તાપડિયાજી સેવા આપશે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર સુવિખ્યાત અને સીનીયર મોસ્ટ પલ્મોનોલોજીસ્ટ ડૉ.જયેશભાઈ ડોબરિયા પોતાની માનદ સેવા પૂરી પાડશે.
ઉપરોક્ત તમામ મેડીકલ કેમ્પસમાં લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત તમામ લેબોરેટરી તપાસ (બ્લડ-યુરીન), ઈ.સી.જી.(કાર્ડિયોગ્રામ), સોનોગ્રાફી, એક્સ-રે, પી.એફ.ટી., સી.ટી.સ્કેન વગેરે તમામ તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. ઉપરાંત પાંચ દિવસની standard દવાઓનો કોર્સ પણ જરૂરી દર્દીઓને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. આતમામ મેડિકલ કેમ્પ્સની વિશેષ માહિતી માટે કો-ઓર્ડિનેટર શ્રી સુરેશભાઈ ગાંધી તથા શ્રી ભરતભાઈ ગઢવીનો સંપર્ક કરવો જેના સંપર્ક નંબર 97122 22000 છે.
સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે શ્રી પ્રકાશભાઈ કેશવલાલ કનેરિયા તથા શ્રીમતી રંજનબેન કનેરિયા– લંડન સેવા આપશે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં યોજાનાર શ્રીરામ ચરિતમાનસ અનુષ્ઠાન, શ્રીમદ્ ભાગવતકથા શ્રવણ, શ્રીહરિ મંદિરમાં આયોજિત દિવ્ય મનોરથ દર્શન અને રાસગરબાનો અમૂલ્ય લાભ લેવા માટે સાંદીપનિ પરિવાર જાહેર નિમંત્રણ પાઠવે છે. અનુષ્ઠાન તથા શ્રીહરિ મંદિરના દર્શનાર્થે આવનાર દરેક ભાવિકો માટે બપોરે પ્રસાદનું પણ આયોજન કરેલ છે. દરેક કાર્યક્રમોનું sandipani.tv યુ-ટયુબ ચેનલ પર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.