ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ એટલે શિક્ષકોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર – પૂજ્ય ભાઈશ્રી
પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સમાજ ઉત્થાન માટે કથાના માધ્યમ દ્વારા શિક્ષણ, લોકશિક્ષણ તથા સામાજિક શિક્ષણનું કાર્ય દેશ-વિદેશમાં થઇ રહ્યું છે. સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નામ પાછળ પૂજ્ય ભાઈશ્રીની મહેચ્છા એવી રહી છે કે શિક્ષણ સાથે ઓતપ્રોત બનીને વિદ્યાયજ્ઞમાં આહુતિ આપનાર શિક્ષક સમુદાય સાંદીપનિમાં એકત્રિત થાય, તેમની સમક્ષ શિક્ષણ જગતના તજજ્ઞો આત્મચિંતન કરે અને ગુરુપૂર્ણિમાના પાવન પર સાંદીપનિ વિદ્યાનિકેતનમાંથી ગુરુનું ગૌરવ પ્રાપ્ત કરી શિક્ષક ભાઈ-બહેનો પોતપોતાના ક્ષેત્રમાં સંલગ્ન બને.
પ્રારંભમાં વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી પોરબંદર જીલ્લાના શિક્ષક ભાઈ-બહેનોનું ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ અંતર્ગત પૂજ્ય ભાઈશ્રીના કરકમળોથી ભાવપૂજન કરવામાં આવતું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક જિલ્લાઓમાંથી શિક્ષકોની પસંદગી કરીને ભાવપૂજન કરવામાં આવતું હતું અને એ ઉપરાંત વિશેષતઃ શિક્ષણના ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરનારા ત્રણ મહાનુભાવોનું વિશિષ્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવતું હતું. ત્યારપછી વર્ષ ૨૦૧૯ થી દર ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના તમામ જીલ્લામાંથી ૩૩થી વધુ શિક્ષકોનું તથા ત્રણ વિશેષ મહાનુભાવોનું લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, ઉત્તમવિદ્યા મંદિર એવોર્ડ તથા શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવી રહ્યું છે.
આ જ ઉપક્રમમાં આ ૨૦૨૪ના વર્ષમાં ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ત્રણ વિશેષ મહાનુભાવોનું ત્રણ વિશેષ એવોર્ડથી ભાવપૂજન કરવાનું છે તેમાં લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી ડૉ.રક્ષાબેન દવે-ભાવનગર, ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી તપોવન વિશ્વવિદ્યાલય, ઘુમલી, ભાણવડ અને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી શ્રી ઉમાકાન્તભાઈ રાજયગુરુ, તળાજાનું તેમજ ગુજરાતના તમામ જીલ્લાના ૩૮ જેટલા શિક્ષકોનું પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવપૂજન કરવામાં આવશે. આ વર્ષે આ સમગ્ર ઉપ્રકમ તા. ૧૯-૦૭-૨૦૨૪ અને ૨૦-૦૭—૨૦૨૪ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં યોજાશે.
લાઈફ ટાઇમ અચીવમેંટ એવોર્ડી – ડૉ.રક્ષાબહેન દવે- ભાવનગર
દ્વિભાષી મુંબઈ રાજની પાટનગર એવી મુંબઈ નગરીમાં આઝાદીના પરોઢે આજથી 6 દશક પહેલાં 8 વર્ષની એક નાની બાળકી કવિતા લખીને તેના પિતાને બતાવી રહી છે. પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે કવિતા જેવુ માધ્યમ કરવાની સૂઝ કદાચ આ વિદુષી જન્મજાત લઈને આવી હશે. 15 વર્ષની ઉંમરે જીએ પહેલી વાર પ્રવચન આપ્યું ત્યારે તેનું ગુંજ બીજા અનેક દશક સુધી ગુંજવાની હશે તેની નોંધ કદાચ માં સરસ્વતી સિવાય ભાગ્યેજ કોઈએ લીધી હશે. એક કેવો યોગાનુયોગ કહેવાય કે તેમની જન્મ તારીખ 21 ફેબ્રુઆરી એ વિશ્વ ભાષા દિવસ પણ છે!
આ બાળકી આજે ગુજરાતી ભાષાનું ભાષારત્ન એટલે ડૉ. રક્ષાબેન દવે. 1973 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે તેઓએ માસ્ટર કર્યું. અને જ્યારે આ દેશમાં નવી શિક્ષણ નીતિ આવી ત્યારે 1986 માં વિદ્યા-વાચસ્પતિની ઉપાધિ મેળવીને વૈધિક શિક્ષણનું ઉચ્ચત્તમ શિખર આરોહિત કર્યું. વળી આ શિખર પર પહોંચીને અન્ય વિદ્યા મીમાંશુઓને ત્યાં પહોંચાડવા માર્ગદર્શક પણ બન્યાં છે.
તેઓની સર્જન યાત્રાની શરૂઆત ‘સૂરજમુખી’ થી કરી. ‘સૂરજમુખી’ ના આમુખમાં મૂર્ધન્ય કવિશ્રી સુંદરમે ‘આધુનિક મીરાં’ કહેલાં. કાવ્ય પુસ્તકો, પ્રવચન પુસ્તકો, વિવેચન પુસ્તકો, બાળ સાહિત્ય, જેવા બહુવિધ સર્જનક્ષેત્રોમાં 80 જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમાંય, બાળ સાહિત્યમાં બાળ કવિતાઓ, બાળ વાર્તાઓ અને બાળ નાટકો એમ ત્રણેય ક્ષેત્રમાં તેમનું પ્રદાન તેમની બહુમુખી પ્રતિભાના દર્શન કરાવે છે.
એક શિક્ષણવિદ્ અધ્યાત્મ ક્ષેત્રે ખેડાણ કરે ત્યારે ધાર્મિક ગ્રંથો – વિચારોને સરસ્વતીની પાંખ મળે છે. અને પરિણામે સમાજમાં ગૂઢતા સરળ બને છે. ડૉ. રક્ષાબેને પોતાના સર્જન દરમિયાન ભગવત ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ જેવા વિષય પર વ્યાખ્યાન અને પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેઓની આ જ્ઞાન સાધનાને ગિજુભાઈ બધેકા ગોલ્ડ મેડલ, પુરસ્કાર જેવા અનેક પુરસ્કારો દ્વારા સન્માનિત કરેલી છે.