Sandipani Gaurav Awards 2022
શારદીય નવરાત્રિ મહોત્સવ અંતર્ગત તા- ૦૪/૧૦/૨૦૨૨, મંગળવારના રોજ બપોર બાદ ૩:૩૦થી ૬:૩૦ દરમ્યાન (વર્ષ-૨૦૨૧)ના ૨૬મા સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વ-ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન આપનારાનું રાજર્ષિ, દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને મહર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. જેનું લાઇવ ટેલીકાસ્ટ sandipani.tv યુ-ટયુબ ચેનલ પર થશે.
૧, રાજર્ષિ એવોર્ડ : જેઓએ પોતાના પુરુષાર્થથી ધનનું ઉપાર્જન કરીને, અર્જિત કરેલા ધનને સમાજની સેવામાં, પરમાર્થની સેવામાં આપ્યું છે એવા સમાજના શ્રેષ્ઠીને રાજર્ષિ એવોર્ડ આપવામાં આવે છે. ૪, જેઓએ દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ સિવાય અન્ય ક્ષેત્રમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હોય એવા વિશિષ્ટ વ્યક્તિનું મહર્ષિ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. એ ક્રમમાં આ વર્ષે મૂળ ખીમસર, રાજસ્થાનના શ્રીબંસીલાલ રાઠીજીને રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. તેઓના પિતાજીનું અકાળે અવસાન થતા માત્ર ૧૩ વર્ષની આયુમાં વ્યાપારના ક્ષેત્રમાં આવીને ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. હાલમાં તેઓ ચેન્નઈમાં મોટા ઉદ્યોગપતિ અને સમાજસેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.

Shri Bansilal Rathi
૨, દેવર્ષિ એવોર્ડ :
જેમાં જેઓએ સમાજની વચ્ચે રહીને, જીવન મુલ્યોને આત્મસાત કરીને સમજને નવી દિશા આપવાનું કામ કર્યું છે, જેઓએ નિસ્પૃહ બનીને સમાજની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા વિરક્ત સંત-સન્યાસી ને દેવર્ષિ અવોર્ડ એવા અર્પણ કરવામાં આવે છે. એમાં આ વર્ષે બરસાના-વ્રજભૂમિના પરમ સેવક પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રીરમેશ બાબાનું દેવર્ષિ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવશે. રાધાજીની જન્મસ્થલી બરસાનાની ગહ્વર વાટિકા તેઓનું આશ્રય સ્થાન છે. પૂજ્ય રમેશબાબાએ ભારતની સનાતન સંસ્કૃતિના કાર્ય એવા ગયો, ગોપાલકો અને વ્રજભૂમિના સરંક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓએ વર્તમાનમાં ૩૨ હાજર જેટલા ગામોમાં પ્રભાતફેરી અને કૃષ્ણ કીર્તન યાત્રાના માધ્યમથી શ્રીકૃષ્ણ ભક્તિની સુગંધ ફેલાવી રહ્યા છે. વ્રજ પરિક્રમા માર્ગમાં તેઓએ અનેકો વૃક્ષો વાવ્યા છે. તેઓ ગૌશાળાની સ્થાપના કરીને ૩૫ હાજર ગાયોની સેવા કરી રહ્યા છે. છેલ્લા ૬૦ વર્ષોથી વ્રજ-મંડળનિ અહર્નિશ સેવા કરી રહ્યા છે અન આમ જ સેવા કરવાનો એમનો સંકલ્પ હોવાથી વ્રજમંડળથી બહાર તેઓ જતા પણ નથી.

Shri Ramesh Baba Ji Maharaj
૩. બ્રહ્મર્ષિ એવોર્ડ :
જેઓએ સંસ્કૃત ભાષાનું અધ્યયન કરીને, સંસ્કૃત ભાષાને સમૃદ્ધ કરવા અને એનો પ્રચાર કરવા માટે જેઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા સંસ્કૃત અને વેદ-શાસ્ત્રોના પ્રકાંડ વિદ્વાનોને બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એમાં આ વર્ષે વેદ-વિજ્ઞાન શોધ સંસ્થાન ટ્રસ્ટ, બેંગ્લોરના અધ્યક્ષ, સંસ્કૃતભાષાના વિદ્વાન પ્રો.રામચંદ્રજી ભટ્ટજીનું બ્રહ્મર્ષિ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવશે. તેઓ વેદાંત દર્શન, મીમાંસા, પ્રાચીન ન્યાય શાસ્ત્ર, યોગ શાસ્ત્રની સાથે આધુનિક વિજ્ઞાન, અધ્યાપન શાસ્ત્રના મર્મજ્ઞ છે. માત્ર ભારત જ નહિ પરંતુ વિદેશમાં પણ તેઓની ખ્યાતી છે. સંસ્કૃતમાં તેઓ દ્વારા લિખિત પુસ્તક “નમઃ પ્રકૃત્યે ભદ્રાયે” ખુબજ લોકપ્રિય બન્યું છે. તેઓને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Dr Ramachandra G Bhat
૪, મહર્ષિ એવોર્ડ
દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ સિવાયના ક્ષેત્રમાં જેઓએ સમાજમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન પ્રદાન કર્યું હોય એવા વિશિષ્ટ વ્યક્તિને મહર્ષિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તેમાં આ વર્ષે ગુજરાતના બારડોલી, સુરતના સેવા અને શિક્ષણના ક્ષેત્રમાં અનુપમ સેવા આપનારા સુશ્રી નિરંજનાબેન મુકુલભાઈ કલાર્થીનું મહર્ષિ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવશે. તેઓએ પોતાનું સંપૂર્ણ જીવન સ્ત્રી-શિક્ષાનો એ પણ માત્ર શહેરી વિસ્તાર જ નહિ પરંતુ ગ્રામીણ અને વનવાસી ક્ષેત્રમાં વિસ્તાર કરવામાં સમર્પિત કર્યું છે. તેઓ સૌ પ્રથમ સ્વરાજ આશ્રમથી પોતાની સેવા આપવાનું કાર્ય શરુ કર્યું હતું. ત્યારબાદ શ્રીમતી નિરંજનાબેનના સદ પ્રયત્નોથી ત્યાં વર્ષ ૧૯૬૬થી સરદાર કન્યા વિદ્યાલય અને સરદાર કન્યા છાત્રાલયને પ્રારંભ કરીને સ્ત્રીશિક્ષણમાં નવા યુગનો પ્રારંભ કર્યો હતો. તેઓના વિશિષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓએ અનેક પુસ્તકોનું પણ સર્જન કર્યું છે.

Shri Niranjanaben Mukulbhai Kalarthi
આપ સૌ ભાવિકોને આ સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને ગૌરવમયી ક્ષણના સાક્ષી બનવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે. પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ચાલી રહેલા ૪૧મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં દેશ-વિદેશના શહેરોમાંથી તેમજ પોરબંદર અને આસપાસના ગામમાંથી અનેક ભાવિકજનો અનુષ્ઠાન અને મનોરથ-દર્શન, કથા શ્રવણ, રાસ-ગરબાનો દિવ્ય લાભ લઇ રહ્યા છે. તો અનેક લોકો sandipani.tv ના માધ્યમથી પણ જોડાઈ રહ્યા છે.