રાષ્ટ્રીય સંત પરમ ભાગવતકાર, શિક્ષણક્ષેત્રમાં સતત યોગદાન આપનારા પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર શહેર તેમજ દેશ-વિદેશમાં અનેક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.
તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એજ ઉપક્રમમાં વર્ષે પણ સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન અને દેશ તથા વિદેશમાં વસતાં બૃહદ સાંદીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પસ, વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.
શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, વર્ધાપનપૂજા, એવં વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રપાઠ
તા. ૩૧-૦૮-૨૦૨૪, શનિવારે સવારે ગુરુજનો એવં ઋષિકુમારો દ્વારા વિધિવત્ પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા સંકલ્પથી શ્રીહરિમંદિરમાં ધ્વજાપૂજનવિધિ કરવામાં આવી અને સર્વેશિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ. આ સાથે સુસંકલ્પપૂર્વક શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો આદરણીય શ્રી હરિપ્રસાદ બોબડેજી, આચાર્યશ્રી બિપિનભાઈ જોષી એવં અન્ય ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા વર્ધાપન પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી. આ સાથે ઋષિકુમારો દ્વારા સામૂહિક વિષ્ણુસહસ્રનામસ્તોત્રના પાઠ પણ કરવામાં આવ્યા હતા.
૬૮ દીપ પ્રજ્વલન
પૂજ્ય ભાઈશ્રીના ૬૮મા પ્રાકટ્ય ઉત્સવ નિમિત્તે શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનના સાન્નિધ્યમાં ગુરુજનો, ટ્રસ્ટીશ્રીઓ, ભાવિકો અને ઋષિકુમારો દ્વારા ૬૮ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા. આ મંગલ અવસરે સાંદીપનિ પરિવારના અતિથીઓ અને પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓ તથા ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાંજે શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટય દિવસ નિમિત્તે સામૂહિક સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો તેમજ આ સાથે ઔદિચ્ય ગોહિલવાડીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામૂહિક વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી ગિરિશભાઈ વ્યાસ, યોગેશભાઈ જોષી, ડૉ. સુરેશભાઇ ગાંધી સાહેબ, ડૉ. ભરતભાઈ ગઢવી તથા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.