Saraswat Gaurav Awards – May 2022
“પૂ.ભાઇશ્રી” જેવા જ્ઞાની સંત ના હસ્તે સાંદિપની સારસ્વત ગૌરવ એવોર્ડ મળ્યાનો વિશેષ આનંદ : રજનીકુમાર પંડ્યા
મુંબઇ: સાહિત્ય ના અનેક એવોર્ડ મળ્યા છે પરંતુ ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) જેવા જ્ઞાની સંત ના હસ્તે એવોર્ડ મળ્યો એનો પોતાને વિશેષ આનંદ હોવાનું ગુજરાતી ભાષા ના જાણીતા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ પોતાની કેફિયત રજુ કરતા જણાવ્યું હતું.
આજે હું જે કંઈ પણ છુ તેમાં વાચકો નું મોટું યોગદાન છે. વાચકોના પત્રો ચમત્કાર સર્જી શકે છે. શબ્દો મારે છે, તારે છે, તોડે છે અને જોડે છે. વાચકની ક્યારેય અવગણના પોતે ન કરી હોવાનું ઉમેરી સત્કારમૂર્તિ રજનીકુમાર પંડ્યા એ ચિત્રલેખા ના પૂર્વતંત્રી શ્રી હરકિસન મેહતા સાથે ની આત્મીયતાનો ઉલ્લેખ કરી (કુંતી) નવલકથા ની રોચક હકીકત કહી હતી.
રજનીકુમાર પંડ્યા એ જે લખ્યું છે તેમાં
સાહિત્ય કરતા સમાજ કારણ વધારે છે. સાહિત્યના માધ્યમ થી શબ્દો ના માધ્યમની તેમણે સમાજ સેવા કરી છે. તેમણે માણસોને ઓળખવાની મથામણ સાહિત્યદ્વારા કરી છે. આ મુશ્કેલ કામ તેઓ ૫૦ વર્ષથી કરતાં હોવાનું લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર શ્રી દિનકરભાઈ જોશીએ કહ્યું હતું.
જાણીતા નાટ્યકાર અને ભવન્સ કલ્ચરલ સેન્ટર મુંબઇ સાથે સંકળાયેલા શ્રી પ્રવીણભાઈ સોલંકી એ આ પ્રસંગે પ્રસન્નતા વ્યક્ત કરતા રજનીકુમાર પંડ્યાની સાહિત્યિક અને સામાજિક સેવાને બિરદાવી હતી.
સાહિત્યકારો નું સર્જન તીર્થ છે, જે તારે છે તે તીર્થ. સાહિત્ય તીર્થ જ છે. સાહિત્ય ખરા અર્થ માં તારે છે. સાહિત્યનો આદિત્ય જ્યાંથી નીકળે ત્યાં અજવાળાં થતા હોય છે. સાંદિપની
સારસ્વત ગૌરવ એવોર્ડ થી સાહિત્યકાર શ્રી રજની કુમાર પંડ્યા નું ભાવપૂજન કરતા પોતે ગર્વ અને પ્રસન્નતા ની લાગણી અનુભવતા હોવાનું ભાવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા (“પૂજ્ય ભાઇશ્રી”) એ જણાવ્યું હતું.
જાણીતા ખગોળ શાસ્ત્રી ડો. જે જે રાવલ, પ્રવચનકાર વીરેન્દ્ર યાજ્ઞિક, ઇમેજ ના નવીનભાઈ દવે, શ્રી સત સાહીત્ય પ્રકાશન ના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ જનાણી, ચિત્રલેખા ના તંત્રી શ્રી હિરેનભાઈ મેહતા, કવિ હીમાંશુ પ્રેમ, ભવન્સ કલ્ચરલ સેન્ટર ના શ્રી લલિત શાહ જેવા અનેક માન્યવારો આ અવસરે હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ના યશસ્વી આયોજન માં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી કરુણાશંકર ભાઈ ઓઝા એ આભારવિધિ કરી હતી. શ્રી ભાગ્યેશ ભાઈ ઓઝા એ આગવી શૈલી માં કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું.